Tuesday, 16 April 2024

બુક પ્રતિભાવ : ટ્રેન ટુ પાકિસ્તાન - ખુશવંતસિંહ

 


બુક પ્રતિભાવ - ટ્રેન ટુ પાકિસ્તાન
લેખક - ખુશવંતસિંહ
અનુવાદક - જય મકવાણા
પ્રકાર - નવલકથા 

ખુશવંતસિંહ દ્વારા લખાયેલ અને જય મકવાણા દ્વારા અનુવાદિત 'ટ્રેન ટુ પાકિસ્તાન' એ ભારત - પાકિસ્તાનનાં વિભાજન વખતેની વ્યથા આલેખતી એક ઐતિહાસિક નવલકથા છે. 1947 માં થયેલ વિભાજન વખતે થઇ રહેલી હીજરતો, હીજરત વખતે આવતી મુશ્કેલીઓ,ચામડી બાળી નાખનારો ઉનાળો, વળી એ જ સમયે ફાટી નીકળેલ મરકી અને ઓછામાં પૂરું હિંસક હુલ્લડોનું વર્ણન રુંવાટા ઉભા કરી દેનારુ છે. પંજાબ સ્થિત મનોમાજરા ગામમાં નવલકથા શરુ થાય છે અને તેનું કથાવસ્તુ એ જ ગામની આસપાસ વણાઈને એક કરુણાંતિકા રચે છે.

મનોમાજરાના શીખ અને મુસ્લિમોની એકતા અને ભાઈચારાથી શરુ થયેલી નવલકથાનું કેન્દ્રબિંદુ ત્યારે ગામનું રેલવે સ્ટેશન બની જાય છે જયારે પાકિસ્તાનથી શીખોની લાશો ભરેલી એક ટ્રેન ત્યાં આવીને ઉભી રહે છે. આખું ગામ મરુભૂમિમાં ફેરવાય જાય છે. ગામ આખામાં ડરનો માહોલ ફેલાઈ જાય છે. લોકો અગાસી પર ચડીને આખો - આખો દિવસ સ્ટેશન તરફ જોઈ રહે છે. રાત્રે ગુરુદ્વારામાં ભેગા મળીને પોતાને આવનાર અંધકારમય ભવિષ્યમાંથી ઉગારી લેવાની અરદાજ લગાવે છે, પ્રાર્થના કરે છે. પણ ભાવિ કોણ ભાંખી શકે છે?!

 કોમી હુલ્લડો અંતે મનોમાજરા સુધી પણ પોહચી જાય છે, મનોમાજરાના દરેક મુસ્લિમોને ચંદનનગરના રેફ્યુજી કેમ્પમાં મોકલી દેવામાં આવે છે. જતા - જતા મુસ્લિમો રાત્રે મુશળધાર વરસાદમાં પોતાના પ્રિય શીખ પાડોશીઓ પાસે છેલ્લી વિદાઈ લેવા માટે જઈ રહ્યા છે.શીખો પણ પોતાના ગામભાઈઓની જમીનને હાથ અડાડવાની ના પાડીને તેમના ઉમદા ભાઈચારાનો પરિચય આપે છે. માત્ર મલ્લિ નામના એક બદમાશ શીખની ટોળી દ્વારા મુસ્લિમોના ઘરો, ઢોર, જમીન બધું જ લૂંટી લેવામાં આવે છે. વળી પોલીસની કૂટનિતિ પણ હુકુમચંદ અને સબઇન્સ્પેક્ટર ના પાત્રોથી સચોટ રીતે દેખાડાઈ છે.

 આ ઉપરાંત ડાબેરી વિચારધારા ધરાવતા ઇકબાલનું પાત્ર પણ ઘણું રસપ્રદ છે. આવા કપરા સમયમાં કોઈ અજાણ્યા ગામમાં આવીને સમજસુધારણા કરવાનો નિર્ણય કરીને તે મોટુ સાહસ વહોરે છે પરંતુ બીજા જ દિવસે પોલીસ દ્વારા તેને ગીરફતાર કરી લેવામાં આવે છે. સાથે જ ગીરફતાર થાય છે ગામનો એક નંબરી બદમાશ જગ્ગા. જે ખલનાયક તરીકે એન્ટ્રી કરીને અંતે હીરો તરીકે ઉભરી આવે છે. નવલકથાના અંતે શીખોના મોતનો બદલો લેવાના હેતુથી ભારતથી પાકિસ્તાન જતી, ખીચોખીચ મુસ્લિમોથી ભરેલી ટ્રેન માંના દરેક પેસેન્જરને મોતને ઘાટ ઉતારી દેવાનું ષડયંત્ર રચાય છે પરંતુ જગ્ગા પોતાના જીવના ભોગે એ મુસ્લિમો ભરેલી અને જેમાં તેની પ્રેમિકા નૂરા પણ સફર કરતી હતી તેવી ટ્રેનને વિનાશથી બચાવી લે છે. નવલકથા પૂર્ણ થઇ જાય છે પણ તેમાં કરવામાં આવેલ ભયાનક વર્ણનો ચેન છીનવી લેનારા છે.

નદીમાં તણાયને જતી અસંખ્ય લાશો, લાખોની સંખ્યામાં મડદા ઠાલવતી ટ્રેન, હીજરત કરીને જતા લોકો પર અચાનક થયેલા હુમલાથી પોતાનો જીવ બચાવવાં આમ - તેમ ભાગતા, કરગરતા, આજીજી કરતા ગરીબડા લોકો અને એવા પુરુષો કે જેના મા, બહેનો, દીકરીઓને તેમની જ નજર સામે નિર્વસ્ત્ર કરીને બજારમાં ફેરવવામાં આવતી હતી, જર, જમીન અને જોરુ આ ત્રણેય લૂંટાઈ રહ્યા હતા. ઘર ઉજડી ગયા હતા, બાપદાદાની મિલકતો, જમીન અરે સ્મૃતિઓ પણ પાછળ છોડીને લોકો વિરુદ્ધ દિશાઓમાં હીજરત કરી રહ્યા હતા. અડધા કુટુંબીઓ કપાઈ ગયા હતા, અડધા ક્યાંક પાછળ છૂટી ગયા હતા, પોતે ક્યારે કપાઈ જશે તે કહી શકાય એમ નહોતું. માથે લટકતી તલવાર અને લોહીથી ભીજાયેલી ભારતીય ઉપખંડની અડધી ધરતી, આવી વાસ્તવિકતાને જીરવવી અઘરી છે, વળી તેને શબ્દોમાં કંડારવી તો અતિશય અઘરી છે.ખુશવંતસિંહ એ આ કામ કર્યું અને તેને માતૃભાષા ગુજરાતીમાં ભાવ જળવાય રહે તે રીતે અનુવાદિત કરવાનું કપરું કામ કર્યું જય મકવાણાએ. વળી નવલકથાની વચ્ચે - વચ્ચે હીજરત સમયની માર્ગરેટ બૌર્ક - વ્હાઇટ દ્વારા લેવાયેલ કરુણ તસવીરો મૂકીને વિભાજનનો સમય વાચક સામે તાદ્રશ કરાયો છે. વાચકના મન પર એક ઊંડી છાપ પાડી જનાર આ નવલકથા ઇતિહાસનો એક એવું સમયચોસલું ઉજાગર કરે છે જેને જાણ્યા પછી, તેના લોકોની કથા વાંચ્યા પછી, ભાગ્યે જ કોઈ પોતાના નસીબ કે સમય વિશે ફરિયાદ કરી શકે.

- હિમાંશી પરમાર (માન)


No comments:

Post a Comment

The New Poets - Indian Writing in English

  Hello, I am Himanshi Parmar. This blog I have written as a part of teaching. The blog is written to provide study materials to my students...