Thursday 12 October 2023

બુક પ્રતિભાવ : વસુંધરાનાં વહાલાં - દવલાં - ઝવેરચંદ મેઘાણી


વસુંધરાનાં વહાલાં - દવલાં - ઝવેરચંદ મેઘાણી

પ્રકાર - નવલકથા

લેખક - ઝવેરચંદ મેઘાણી


શીર્ષક મુજબ નવલકથામાં ઝવેરચંદ મેઘાણીએ તળસૌરાષ્ટમાંથી પાત્રો ગોતી ઉભા કર્યા છે. કથામાં મુખ્ય પાત્ર કોણ છે એ કહેવું તો અઘરું છે કેમ કે મેઘાણીએ દરેક પાત્રોને સરખો ન્યાય મળી રહે તેની તકેદારી રાખી છે છતાં આખી કથા તેજુ નામની યુવતીની આસપાસ ગુંથાયેલી હોવાથી આપણે તેને મુખ્ય પાત્ર તરીકે લઇ શકીયે. કથાની શરૂઆતમાં તેજુ અને અમરચંદ શેઠનાં દીકરા પ્રતાપનાં ગેરકાયદેસરનાં સંબંધ અને તેનાથી થયેલા સંતાનની વાત આવે છે. ત્યારબાદ મરકીનો રોગ ફેલાવવાના ગુનામાં બ્રામ્હણો તથા કહેવાતા ઉચ્ચ વરણના લોકોએ વાઘરીવાડા પર આરોપ મૂકીને જે 'આક્રમણ' કર્યું તેના હિસાબે તેજુ અને તેના પુત્રનો વિયોગ થાય છે. તેજુ જેલમાં જાય છે અને અનાથાશ્રમમાં મુકાયેલ તેજુનું બાળક ભાગીને એક ઘરડા મદારીને મળે છે અને તેની પાસે રહેલ અન્ય જાનવરો જેમ કે હિડીમ્બા રીંછણ, ગધેડો, વાંદરો અને વાંદરીની સાથે જ મોટો થાય છે. બાળક (ઝંડુરિયો) અને અંધી (બદલીની) પ્રેમ કહાની સાથે નવલકથાનો કરુણ અંત આવે છે.

હડધૂત કરાયેલ લોકની વીતકકથા ઝવેરચંદ મેઘાણીએ ઉત્તમ રીતે આલેખી જાણી છે. કહેવાતા સંસ્કારી સમાજમાં તરછોડાયેલ આ પ્રજાની મનોવ્યથા, લાગણીઓ, સબંધો, વિચારો અને વલણો તેજુ અને લખડીનાં ઉદાહરણથી તાદ્રશ થાય છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રનાં ગ્રામજીવનનું આલેખન અને તેના લોકોની જીવનશૈલી પણ અદભુત રીતે આલેખવામાં આવી છે. આ ઉપરાંત સામાજિક દુષણો જેવાકે ચોરી, કુરિવાજો, બાળલગ્ન, પૈસાથી થતા બેન - દીકરીઓના સાટાપાટા, ઉચ્ચ - નિમ્ન જ્ઞાતિ વચ્ચેના ભેદભાવો, ગરીબો અને પીડિતોનું શોષણ, તેમના પર ગુજારવામાં આવતા જુલ્મો અને કરવામાં આવતા અન્યાયો, અને સત્તાનો દુરુપયોગ કરતા રાણીબાથી લઈને પોલીસ કર્મીઓની કુનીતિઓ અને રાજકારણ પણ જે - તે સમય અને પરિસ્થતિનું વાસ્તવિક ચિત્ર ઉભું કરે છે. વળી ઝંડુરિયો, બદલી, અને બુઢઢાની વાત ચોક્કસ પણે મોહેં-જો - ડેરોની જીપ્સી પ્રજા અને તેમની સંસ્કૃતિની યાદ અપાવે છે. લુપ્ત થતી કલાઓમાંની કલા તે મદારીની કલા અને ભરતગુંથણની કલા છે તેનું અદ્વિતીય વર્ણન પણ સૌરાષ્ટ્રની પ્રજાજીવનની જાંખી કરાવે છે.


જીવનને નસીબના લેખાજોખામાં તોળવાને બદલે જન્મ અને મરણને અકસ્માત તરીકે લઈને existentialism (અસ્તિત્વવાદ)નો નમૂનો પણ તેજુ અને ઝંડુરિયાનાં ઉદાહરણ દ્વારા લેખકે પૂરો પાડ્યો છે. ઝંડુરિયો, પ્રતાપશેઠ વાણીયાનો વંશજ, તેજુનો દીકરો માબાપ જીવતા હોવા છતાં અનાથઆશ્રમમાં ને સરેરાશે એક મદારી પાસે જાનવરો ભેગો ઉછરે, ને તેજુને એક દંગાવાળો આદમી પોતાની દીકરી કરી ઉછેરે, તેજુ વાણીયાનું ઘર બાંધે, ને તેના જન્મ અને સાચા માતા - પિતા અંગે રાખવામાં આવેલી ગોપનિયતા એ નસીબપરસ્તતા કરતા આકસ્મિક વધુ લાગે. સલમાન રશદીની નવલકથા 'મીડનાઈટ્સ ચીલ્ડ્રન' અને વસુંધરાનાં વહાલાં - દવલાંમાં આ એક થિયરીથી સમાનતા રહેલી જોઈ શકાય છે. મેઘાણીની આ નવલકથા  સૌરાષ્ટ્રની પ્રજાની જીવનશૈલી, સમાજ, સંસ્કૃતિ, અને ગૃહજીવન નિરૂપણમાં દસ્તાવેજ સમી બની રહે છે.

- હિમાંશી પરમાર (માન)

Types Of Comedy - Dark Comedy and Light Comedy

Hello, I am Himanshi Parmar. This blog I have written as a part of teaching. The blog is written to provide study materials to m...