Tuesday 28 June 2022

Book Review :- ઝેર તો પીધા છે જાણી જાણી.



શીર્ષક :- મારું પ્રિય પુસ્તક "ઝેર તો પીધા છે જાણી જાણી".

માણસના મનમાં ઇંદ્રધનુષ જેમ વિવિધ ભાવોની ગુંથણી હોય છે. તેમાં એકરાગીપણુ દેખાતું નથી. પણ ઇંદ્રધનુષની પછવાડે આખરે એક જ સફેદ રંગ હોય છે. - કેશવદાસજી (નવલકથાનું એક પાત્ર)

ગુજરાતના લોકભારતી લોકવિદ્યાલયમાં વર્ષો સુધી ઇતિહાસના પ્રદ્યાપક તરીકે કામગીરી કર્યાની સાથે - સાથે જેમણે ગુજરાતી સાહિત્યને પોતાના શબ્દોનો અમૂલ્ય વારસો આપ્યો છે તેવા સોક્રેટીસ, દિપનિર્વાણ, અને ઝેર તો પીધા છે જાણી જાણી જેવી મહામૂલી કૃતિઓના રચયિતા મનુભાઈ પંચોળી (દર્શક) એ મારાં પ્રિય લેખક છે. આમ તો તેમના દરેક પુસ્તક ઉત્તમ હોય છે. પણ મારું પ્રિય પુસ્તક છે તેમની ગુજરાતી ક્લાસિક મહાનવલકથા "ઝેર તો પીધા છે જાણી જાણી". સાડા ચાર દાયકામાં વિસ્તરેલ અને ત્રણ ભાગમાં સર્જાયેલી આ મહાનવલ ભારતીય જ્ઞાનપીઠનો પુરસ્કાર પણ મેળવી ચુકી છે.

ગોપાળબાપાની વાડીથી શરુ થયેલી કથાવસ્તુ, ગુજરાતના જ નહિ ભારતના સીમાડા ઓળંગીને વૈશ્વિક ફલક પર ઉભું રહે છે.સમગ્ર વિશ્વને "વસુધેવ કુટુંબકમ"ના તાંતણે સાંકળીને માનવતાનો બોધ આપવામાં જે ફાળો મનુભાઈએ ઝેર તો પીધા છે જાણી જાણી માં ભજવ્યો છે તે અન્ય કોઈ ભજવી શક્યું નથી. માનવજાત ધર્મ, રૂપ, રંગ, સ્વભાવથી ભિન્ન છે પણ દરેકના હૃદયમાં અખૂટ પ્રેમના વારિ ભર્યા છે તે આ ક્લાસિક મહાનવલ સિદ્ધ કરે છે. રોહિણી અને સત્યકામની બાલ્યાવસ્થાની મૈત્રીથી લઈને તરુણાવસ્થા નો પ્રેમ, યુવાનીનો વિયોગ, અને પ્રોઢાવસ્થાનું પુનઃમિલન, અને એકમેક પ્રત્યેની શ્રદ્ધા અને વિશ્વાસ અહીં કથાને બે જીવોની જીવનકથાના ઉતાર - ચડાવ અને પ્રેમની ઉત્કૃષ્ટતા દર્શાવે છે. મુખ્ય પ્રેમકથાની સાથે - સાથે જ ચાલતી અન્ય પ્રેમકથાઓ જેમકે હેમંત અને રોહિણીનું લગ્નજીવન, મર્સી અને અચ્યુતનો પ્રેમ, લગ્ન અને વિયોગ, એલીઝાબેથનો અચ્યુત પ્રત્યેનો પ્રેમ, રેથેન્યુ અને ક્રિચ્યાઈન, બોઝબાબુ અને અમલાદિદિનો પ્રેમ, પણ એક જ હરોળમાં ચાલતા હોવા છતાં દરેકનું પોતાનું આગવું મહત્વ છે. પંડિત કેશવદાસજીના મુખે નવલકથામાં મુકાયેલું વાક્ય કે, "જીવન એટલે પ્રેમ, અને પ્રેમ એટલે જીવન", એ આ તમામ પાત્રોનો અભ્યાસ કરતા માત્ર કહેવા ખાતર નહિ પરંતુ ખરેખર સિદ્ધ થતું હોય તેવું લાગે.

   મુખ્યત્વે ઝેર તો પીધા છે જાણી જાણીને યુદ્ધ કથા તરીકે સ્વીકારી શકીએ. વિવિધ દેશો વચ્ચે થયેલા યુદ્ધો અને ખાસ તો જર્મનીના વિશ્વ સાથેના યુદ્ધો, તથા વિશ્વયુદ્ધ, હિટલરરાજમાં યહૂદીઓની પીડનીય સ્થિતિ, ભારતમાં સ્વતંત્રતા માટે ચાલતા આંદોલનો, બર્મા સરહદ પર જર્મની અને અંગ્રેજોનું અંતિમ યુદ્ધ અને અંગ્રેજોની વિજયકથા અતિશય રોમાંચક, રસ જન્માવે તેવી અને છતાંય તે ભીષણ યુદ્ધોને તાદ્રશ્ય કરતા રડી પડાય એટલી કરુણતા અને દયનિયતા દર્શાવીને સંસ્કૃત વાક્ય, "युद्धस्य कथा रम्या।". અહીં સિદ્ધ કરાયું હોય તેવું લાગે. ઝેર તો પીધા છે જાણી જાણીના પ્રથમ ભાગમાં રોહિણી - સત્યકામની પ્રેમ અને વિયોગ કથા વર્ણવી, બાકીના બે ભાગોનું મુખ્ય વિષયવસ્તુ યુદ્ધ રખાયું છે. છતાં પણ નવલકથામાંથી વીર રસના બદલે વિરહ અને કરુણ રસની  નિષ્પત્તિ થાય છે. આખી નવલકથાના મોટા ભાગના પાત્રો પોતાના પ્રિયજનોથી કોઈકને કોઈક તબક્કે વિયોગ પામે છે. યુદ્ધ જેવી કપરી સ્થિતિમાં માણસ ઘર બાંધીને બેસી શકતો નથી, તે નસીબના ચાકડે ચડીને ફંટાતો રહે છે, ને આખી જિંદગી વિરહમાં ઓગળતો રહે છે તે મનુભાઈએ અહીં ખુબ સારી રીતે દર્શાવ્યું છે. કથાતંતુ પણ મોટા ભાગે પરસ્પર પાત્રો વચ્ચે થતા પત્રવ્યવહાર થી તો ક્યારેક કોઈની અંગત નોંધપોથી (પર્સનલ ડાયરી) ના માધ્યમથી આગળ વધે છે. જે પોતાના સ્વજનોને ઈચ્છવા છતાં ન મળી શકતા પાત્રોની દરિદ્રતા દર્શાવે છે. મુખ્ય કથાવસ્તુ અચ્યુત અને રોહિણી, રેખા અને રોહિણી ના પત્રવ્યવહાર અને સત્યકામની અંગત નોંધપોથી દ્વારા આગળ વધે છે

એક તરફ ગોપાળબાપાની વાડીમાં નિસ્વાર્થ ભાવે ભજન - કીર્તન, એકબીજાને મદદરૂપ થવા તત્ત્પર ગામડીયાઓ, ક્રિશ્ચ્યાઈન એ વસાવેલા મોટા ખેતરમાં હળીમળીને કામ કરતા, ને ભાઈચારાથી રહેતા ખ્રિસ્તીઓ અને યહૂદીઓ, તો બીજી તરફ ધન, સતા, સ્વાર્થ, અભિમાન અને વેર ખાતર માણસાઈ ભૂલી બેસેલા, લોહી વહેવડાવતી વેળાએ પોતાનો કે પારકો ન જોતા, માણસને ચીભડાં જેમ ક્ષણમાં ચીરીને ફેંકી દેતા નાઝીઓની ક્રૂરતા દેખાડી વિરોધાભાસ રચ્યો છે. ને વાચકોએ બંને પક્ષોને જોઈ, તપાસી, નીરખીને ક્યાં પક્ષ સાથે ઉભા રહેવું, પોતે પોતની કેળવણી કેવી કરવી તેવો જટિલ પ્રશ્ન ખુબ સરળતાથી લેખકે મૂકી દીધો છે. વળી કાર્લ જેવા પાત્રોને અતિશય નરાધમ દર્શાવીને પણ તેના ચરિત્રની કાળાશમાં માનવતાના શ્વેત છાંટણા છાંટવાનું મનુભાઈ ચુક્યા નથી. કાર્લ દ્વારા મર્સીને અંતે અપાયેલી મુક્તિ તેની સાખ પુરે છે. દરેક માણસમાં ભગવાન રહેલો છે. ને સમય આવ્યે તે પુરવાર પણ થાય છે તે અહીં આપણે કાર્લ અને વેબરના પાત્રાલેખનમાં જોઈ શકીએ. ભગવાન શોધવા ધર્મ પાછળ ભાગવું પડતું નથી. ને છતાં દરેક ધર્મનું એક આગવું મહત્વ ઘટતું નથી. તે પણ અહીં સરળ છતાં સચોટ રીતે દર્શાવ્યું છે.


કોઈ એક કે બે ધર્મના દ્રષ્ટાંત ન આપતા લખકે બૌદ્ધ, જૈન, યહૂદી, ખ્રિસ્તી, હિંદુ ધર્મ જેવા અનેક ધર્મો વિશે વિસ્તારથી વાત કરીને દરેક ધર્મના સાર રૂપે "માનવતા" ને ગણાવી છે. વળી દરેક ધર્મના મૂળ પરસ્પર જોડાયેલા છે અને તેના પર સભ્યતા રૂપી આખું વૃક્ષ નભે છે તે પણ સ્પષ્ટ રીતે નિરૂપ્યું છે. વળી પ્રકૃતિને સર્વેસર્વા ગણાવીને માણસ માટીનો જીવ છે, વિશ્વમાં જે કંઈ રહેલું છે તે પ્રકૃતિમાંથી જ ઉદભવ્યું છે અને તેમાં જ અંતે વિલીન થાય છે તે મહાનવલમાં સમજાવ્યું છે. ગોપાળબાપાની વાડીમાં ચીકુ, રાયણ, બોરસલી, આંબાના ખેતરો, ગાયોનાં ધણ, ક્રિશ્ચ્યાઈનની દ્રાક્ષની વાડિઓ, બર્માના જંગલોની અનુપમતા, ગિરનારના ડુંગરોના વર્ણન કરવાની સાથે - સાથે યુદ્ધ દ્વારા પ્રકૃતિની જે અવદશા થઇ, તોપો - બૉમ્બગોળાએ પ્રકૃતિનો જે સર્વનાશ કર્યો, તે નાગવંશના ઉજ્જડ થયેલા ગામડાઓ, અને ખેદાન - મેદાન થયેલા જર્મનીની સ્થિતિ કહી આપે છે.

આ નવલકથામાં વપરાયેલું ભાષા ભંડોળ અને આગવી લેખન શૈલી એ લેખકની સિદ્ધહસ્તતા પુરવાર કરે છે. શરૂઆતના અમુક ભાગમાં ગામઠી ભાષાનો ઉપયોગ કરાયો છે, આગળ જતા શુદ્ધ ગુજરાતી અને વળી વિદેશી પાત્રોના મુખે અંગ્રેજી વાક્યો પણ મુકાયા છે. બાઇબલમાંથી પણ નવલકથામાં અનેક સંવાદો લેવામાં આવ્યા છે. પરંતુ તેને એમ જ અંગ્રેજીમાં ન મૂકી દેતા લેખકે ગુજરાતી અનુવાદ કરીને મુક્યા છે જેથી વાંચકોને સરળતા રહે. અંગ્રેજી બાઇબલ સાથે - સાથે ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા વિવિધ ગ્રંથો અને ઉપનિષદોમાંથી લેવાયેલા શ્લોકો, અને જુના મીરાંબાઈ, નરસિંહ મહેતાના ભજનો પણ વચ્ચે - વચ્ચે મૂકીને લેખક વાચકોને સ્થળ - કાળના ભેદ ભુલાવી કોઈક અલૌકિક સમયચક્રમાં ખેંચી જાય છે. ઘણીવાર શુદ્ધ સંસ્કૃતમાં મુકાયેલા શ્લોકો કે બાઇબલના વાક્યો સમજવા અઘરા પડે ખરી પણ તેનો ઉપાય પણ લેખકે તેના અનુવાદ મૂકીને કરી આપ્યો છે.

કોઈ એક કે બે સ્થળે નવલકથા સીમિત ન કરતા લેખકે આખી નવલકથામાં અનેક સ્થળોના વર્ણન કરીને વાચકને જાણે ઘરે બેઠા જ વિશ્વ ભ્રમણ કરાવ્યુ હોય તેવું લાગે. ગોપાળબાપાની વાડિ એટલે કે એ સમયનું મહારાજ સયાજીરાવ ગાયકવાડનું રજવાડું અને હાલનું વડોદરા થી કથા શરુ કરીને અમદાવાદ ગાંધી આશ્રમ, ભારતના અન્ય વિવિધ પ્રદેશો, ફ્રાન્સ, જર્મની, પોલેન્ડ, ચીન, ઇટલી, ઈઝરાયલ,બર્માની બૌદ્ધ ગુફાઓ, બર્માના ગીચ જંગલો, અને વળી નવલકથાને ગોપાળબાપાની વાડીમાં સુખાન્ત આપે છે. યુદ્ધ જેવી ભીષણ મહામારીમાંથી ઉગરીને, કાળચક્રમાં ફરીને, નસીબ સાથે લડીને, વર્ષોના વિયોગ પછી ફરી ગોપાળબાપાની વાડીયે જયારે રોહિણી અને સત્યકામનું પુનઃમિલન થાય છે, ને જયારે અચ્યુતની તેના બાળકો સાથેની મુલાકાત થાય છે ત્યારે જ ખરા અર્થમાં નવલકથાનો સુખાન્ત થતો હોય તેવું લાગે. સાથે જ પાનસો નેવ્યાશી પાનાંમાં પણ ચાર દાયકાની સફર ખેડી હોય તેટલો આનંદ, સંતોષ અને ખાસ તો અનુભવ પ્રાપ્ત થાય છે.

નામ :- હિમાંશી પરમાર
શહેર :- ભાવનગર

2 comments:

Types Of Comedy - Dark Comedy and Light Comedy

Hello, I am Himanshi Parmar. This blog I have written as a part of teaching. The blog is written to provide study materials to m...