નમસ્તે, હું હિમાંશી પરમાર. અહીં મારાં મનગમતા લેખક મનુભાઈ પંચોળીની એક ઉત્તમ નવલકથા 'સોક્રેટિસ'નો પ્રતિભાવ આપી રહી છું.
બુક રિવ્યૂ - સોક્રેટિસ - મનુભાઈ પંચોળી
મહાન ગ્રીક તત્વજ્ઞાની અને પ્લેટોના ગુરુ તેવા સોક્રેટિસના જીવન પર આધારિત ગુજરાતી નવલકથા 'સોક્રેટિસ' મનુભાઈ પંચોળી (દર્શક) દ્વારા લખાયેલ છે. સોક્રેટિસ એ એક મહત્વકાંક્ષી ઐતિહાસિક નવલકથા છે જે ૧૯૭૪ માં લખવામાં આવી હતી. નવલકથાના મુખ્ય પાત્ર તરીકે સોક્રેટિસ હોવા છતાં મુખ્ય વાર્તા અહીં એસ્પેશિયાની દીકરી મીડિયા અને કેસેન્દોનો પુત્ર એપોલોડોરેક્ષની પ્રણય કથા છે. બંનેની પ્રેમ કહાનીમાં આવતા ઉતાર - ચડાવ, અપોલોડોરેક્ષના પરિવાર તરફથી તેમના પ્રેમની અસ્વીકૃતી, બંનેને વિખુટા પાડવા માટે થતા કાવાદાવા, યુદ્ધમાં ફંટાતા બે પ્રેમીઓ અને તેમનો પ્રેમ, અને યુદ્ધના અંતે આ તમામ પરિસ્થિતિમાંથી ઉગરીને બંન્ને પ્રેમીઓ અપોલોડોરેક્ષ અને મીડિયાનું પુનઃ મિલન હ્દયસ્પર્શી રીતે રજુ થયું છે. મીડિયાના જન્મ અંગે શરૂઆતમાં રહસ્ય રાખીને ધીરે - ધીરે એ ગુથ્થી ઉકેલી વાર્તાને સફળતાપૂર્વક દર્શકે એક રોચક વળાંક આપ્યો છે. તદુપરાંત સોક્રેટિસના વિચારોને, તેના તત્વજ્ઞાનને ઉત્તમ રીતે મુકવાની સાથે - સાથે વાર્તાનો રસ તંતુ ન તૂટે તેની પણ કાળજી નવલકથાકારે રાખી છે.
એથેન્સના નાયક પેરિકલીસ અને તેમની પ્રેમિકા એસ્પેશિયા પણ નવલકથાના મહત્વના પાત્રો છે. પેરિકલીસનો એથેન્સ પ્રત્યેનો પ્રેમ અમાપ, અખૂટ છે. અને ગણિકા એસ્પેશિયાની સોક્રેટિસ સાથેની તાત્વિક ચર્ચાઓ પણ વાચકને નવાઈ જગાડે તેવી છે. એક ગણિકા સ્ત્રી હોવા છતાં જીવન અંગેનું, સમાજ, તત્વજ્ઞાન, બૌદ્ધિક વિષયો અંગેનું આટલું ગહન ચિંતન, ઊંડી સમજશક્તિ અને તેની સહનશીલતા ખરેખર વખાણવા લાયક છે. આ ઉપરાંત નવલકથામાં કરવામાં આવેલ ગ્રીસનો ભૌગોલિક વારસો, આબોહવા, વાતાવરણ, વિશેષતાઓ, નગરરચનાઓ, દેવદેવીઓના મંદિરો, નૌકાયુદ્ધો,વહાણ રચના,દ્વિપો, સમુદ્ર વગેરેનું વર્ણન વાચકના મનમાં આ તમામ દ્રશ્યો તાદ્રશ ખડા કરે છે.
પ્રણયકથાની સાથે સોક્રેટિસનું વ્યક્તિત્વ ઘડતર કરવાનું કામ પણ મનુભાઈએ ઉત્તમ રીતે કર્યું છે. સોક્રેટિસનું સાદું, સરળ જીવન પણ પ્રેરણાદાયક છે. સોક્રેટિસની સાદાઈનું વર્ણન કરતા મનુભાઈ લખે છે કે - 'સોક્રેટિસનું ગૌરવ તેની ગરીબાઈ હતી. શિયાળે, ઉનાળે તે એક જ ડગલો પહેરતો,પગરખાં તો તેના પગમાં કોઈએ જોયા ન હતા. પાણી સિવાયનું પીણું તેને પસંદ ન હતું.અને પાછી વાળી ન શકાય તેવી કોઈ મદદ તેણે સ્વીકારી ન હતી. ઓલિવનું તેલ ચોપડેલ જવનો રોટલો, થોડું મધ અને બજારમાં જે દિવસ સસ્તી હોય તે દાડે શાકભાજી આ તેનું ભોજન હતું અને છતાંય તે લહેરથી કહેતા કે એના જેટલો સ્વાદથી ઇજીપ્તનો ફેરોહા પણ નહિ જમતો હોય.' આ ઉપરાંત સોક્રેટિસ અને તેની ઝગડાળું પત્ની ઝેંથિપીની વાર્તા પણ ઘણી રમુજી અને રોચક છે. નવલકથાના અંતે સોક્રેટિસે એક પણ ફરિયાદ, ખેદ, કે દુઃખ વગર હેમલોક (દર્દ કે પીડા વગર મૃત્યુ આપે તેવું ઝેર) પીયને પોતાના જીવનનો અંત સજાના ભાગ રૂપે કેદખાનામાં લાવે છે એ ઘટના હૃદયદ્રાવક છે.
જે સોક્રેટિસે પોતાનું સમગ્ર જીવન પોતાની માતૃભૂમિને અર્પણ કરી દીધું, થેસીલીના ઉમરાઓ, મેસીડોનીયાના રાજકુમારો, થીલ્સના આગેવાનો દ્વારા મળેલ અનેક પ્રલોભનો, પ્રસ્તાવો, ઉંચા હોદ્દાઓ ને વિવેકપૂર્ણ રીતે એથેન્સ માટે નકારી દેનાર માણસને પોતાની જ જન્મભૂમિ પર વસનારા અને અનેક કાયદાઓ ભૂતકાળમાં તોડી ચૂકેલા મૂર્ખ માણસો દ્વારા એક કાયદો તોડવાં બદલ મૃત્યુદંડ મળે ત્યારે એ ઘટના જગતની ઘણી વાસ્તવિકતા વર્ણવી જાય છે. મનુભાઈની આ કૃતિ માત્ર જે - તે કે કોઈ એક સમય સુધી સીમિત ન રહેતા સમયની સીમાઓ તોડીને શાશ્વત બની રહે છે.
આભાર!